મોટિવેશન સ્ટોરી || નવનીત શિકેરા - Gujju Gk

24 February 2021

મોટિવેશન સ્ટોરી || નવનીત શિકેરા

તમે કોઈ મુશ્કેલીમાં હો અને પોલીસ પાસે મદદ માટે જાઓ... પોલીસ અધિકારી તમને મદદ કરવાને બદલે અપમાનિત કરી કાઢી મૂકે...  તો તમે શું કરો...???


આવી પરિસ્થિતિમાં નાસીપાસ થવાનું નથી પણ તમારે નવનીત શિકેરા બની જવાનું છે.  તમને સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે આ નવનીત શિકેરા તે વળી કોણ...?!


ઉત્તરપ્રદેશમાં એક નાનકડું ગામ... ગામમાં એક મનોહર શિકેરા નામનો સાવ સામાન્ય અને ગરીબ ખેડૂત રહે. 22 સપ્ટેમ્બર, 1971ના રોજ તેના ઘેર દીકરાનો જન્મ થયો. નામ રાખ્યું નવનીત. આર્થિક પરિસ્થિતિ સારી ન હોઈ અભાવો વચ્ચે જ એ બાળક ઉછર્યો. ભણવાની તો ક્યાં કાંઈ સગવડ હતી..! સરકારી શાળામાં રગડધગડ અભ્યાસ ચાલે. 


આ નવનીતને મશીન બહુ ગમે. ગમે તેવા નવા મશીનનું તે ઝીણવટ ભર્યું નિરીક્ષણ કર્યા કરે.  એકવાર શાળાના શિક્ષક લુના લઈ આવ્યા. તેનું નિરીક્ષણ કરવાના હેતુથી નવનીત તેની પાસે ગયો. સાહેબને એમ થયું કે છોકરો લુનાને નુકસાન કરી રહ્યો છે. સાહેબે તો નવનીતને બરાબરનો ફટકાર્યો, છતાં પણ તે ત્યાંથી ગયો નહિ. સાહેબને કહ્યું કે 'હું પણ મોટો થઈ એકવાર આવું નવું લુના લઈશ.'


પછી તો નવનીત આગળ ભણવા ઓટા ગયો. છઠ્ઠા ધોરણમાં પહેલીવાર ABCD શીખ્યો. ધોરણ-11,12 સુધી હિન્દી માધ્યમમાં જ ભણ્યો. ત્યાંથી B.Sc. કરવા નવનીત દિલ્હીની જાણીતી હંસરાજ કોલેજમાં એડમિશન માટે ગયો. કોલેજનો ક્લાર્ક અંગ્રેજી ન જાણતા આ લઘરવઘર દેશી ગામડિયા યુવાનને જોઈ બોલ્યો: 'આ લે પાંચ રૂપિયા અને બસમાં બેસી યુ.પી. પાછો ચાલ્યો જા..!'


આવા અપમાનનો કોળિયો ગળે ઉતારતો નવનીત બસમાં બેઠો. પણ નક્કી કર્યું કે અંગ્રેજી નથી આવડતું તે મેણું ભાંગવું જ છે. ખૂબ મહેનત કરી અંગ્રેજી શીખ્યો અને દેશની સૌથી મોટી IIT કોલેજ રૂડકીમાં કમ્પ્યૂટર સાયન્સમાં એડમિશન મેળવ્યું. 


નવનીત સોફ્ટવેર એન્જીનીયર બની તે જીવનમાં સ્થિર થવામાં જ હતો ત્યાં જ તેના જીવનમાં એક વળાંક આવ્યો. પિતાની પૈતૃક જમીન ઉપર કેટલાક ગુંડાઓએ ગેરકાયદે કબજો જમાવ્યો. જેથી પિતા સાથે નવનીત પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચ્યો. ફરજ ઉપરના પોલીસ અધિકારીએ પિતાને મદદ કરવાનો બદલે તેમની પાસેથી જમીનના કાગળ છીનવી લઈ તેમને અપમાનિત કરી કાઢી મુક્યા. પિતાએ કહ્યું, 'તમે મારી સાથે આવું વર્તન ન કરી શકો, મારો દીકરો પણ IITમાં સોફ્ટવેર એન્જિનિયર થયો છે.' પોલીસે કહ્યું કે 'આવા એન્જિનિયર તો શેરીએ ગલીએ રખડે છે.'


પિતાનું અને પોતાનું આવું અપમાન નવનીતથી સહન ન થયું અને તેણે નક્કી કર્યું કે તે પોલીસ ઓફિસર બનશે. અને નવનીતે ખૂબ મહેનત કરી 1996માં પ્રથમ પ્રયત્ને જ UPSC ક્રેક કરી. IAS મળતું હોવા છતાં તેણે IPS પસંદ કર્યું. કારણ કે નવનીત પિતા જેવા મજબૂર લાચાર અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવા માંગતો હતો. 


સૌ પ્રથમ ગોરખપુરમાં ASP તરીકે તેનું પોસ્ટીંગ થયું. ત્યાંથી મેરઠ, મુઝફ્ફરનગર, વારાણસી, કુશીનગર, લખનૌ સહિતના અનેક શહેરોમાં SSP તરીકે ફરજ બજાવી. IG અને IGP જેવા હોદ્દાઓ શોભવ્યા. 


મુઝફ્ફરનગર ત્યારે ગુંડાઓનો ગઢ. સમાજવાદી પાર્ટીની સરકાર. ગુંડાઓ, પોલીસ અને રાજકીય નેતાઓની સાંઠગાંઠ...! ધોળા દિવસે મર્ડર, લૂંટ, અપહરણ અને બળાત્કારની ઘટનાઓ બને. સામાન્ય પ્રજા ત્રાહિમામ પોકારી ગયેલી. 17-18 વર્ષનો યુવાન ગુંડો બની જાય અને બંદૂક ચલાવી ગુંડાગીરી કરે એ જાણે કે ફેશન થઈ ગયેલી. ગુંડાઓના ઈલાકામાં જવાની તો પોલીસની પણ હિંમત ન ચાલે. ગોળીબાર અને લૂંટ-ધાડ-ખંડણીની ઘટનાઓ રોજિંદી બની ગયેલી. 


આવા કપરા સમયમાં મુઝફ્ફરનગરમાં SSP તરીકે નવનીત સિકેરાની નિમણુંક થઈ. એક ઘટના બની. ખંડણી માટે ગુંડાઓએ જમવા બેસેલા બે સગા ભાઈઓને ધોળે દહાડે ગોળીએ દીધા. નવનીતસરથી રહેવાયું નહિ. પોલીસની એક ટીમ બનાવી. એક વેપારી પાસે ખંડણી રૂપે પાંચ લાખ રૂપિયાની માગણી કરનાર રમેશ કાલિયા નામના કુખ્યાત ડોનને  પોલીસે જાનૈયાઓ બનીને ઘેર્યો. સામસામા ફાયરીંગ થયા. અને નવનીતસરે રમેશ કાલિયાને ગોળીએ દીધો. આખા દેશના મીડિયામાં આ પોલીસ એન્કાઉન્ટર ચમકયું. પછી તો મુઝફ્ફરનગરના  ચાલીસ જેટલા ગુંડાઓને નવનીતસરે વીણીવીણીને ગોળીએ દીધા. ગુંડાઓ ભોં ભીતર થઈ ગયા. કોઈની પણ શેહશરમ રાખ્યા વગર પ્રજાહિતમાં થયેલી આ કામગીરીથી શહેરમાં શાંતિ સ્થપાઈ. 


આવું જ મેરઠમાં પણ થયું. એન્કાઉન્ટર સ્પેશિયાલીસ્ટ તરીકે નવનીતસર પ્રસિદ્ધ થઈ ગયા. પ્રજા શાંતિનો શ્વાસ લેતી થઈ. તેમની બદલી થતા મેરઠની પ્રજાએ વિરોધ કર્યો અને સરની તરફેણ કરતા બેનરો માર્યા.


આવા સિંઘમ જેવા નવનીત સિકેરાના જીવન ઉપર હાલમાં જ 'ભૌકાલ'(જલવા)નામે એક દસ એપિસોડની વેબસિરીઝ પણ બની છે. જે જોવા જેવી છે.


નવનીત સરની પત્ની પૂજા પણ મોટિવેશનલ સ્પીકર છે. આ દંપતીને પુત્ર દિવ્યાંશ અને પુત્રી આર્યા એમ બે સંતાનો છે. 


ગરીબીના લીધે બાળપણમાં પુસ્તકો ન ખરીદી શકતા નવનીતસર હાલ એક સારા મોટિવેશનલ સ્પીકર બની યુવાનોને જીવન જીવવાની નવી રાહ ચીંધી રહ્યા છે.


તેઓ કહે છે...


"જ્યાં સુધી તમારી કોઈ મજાક ન ઉડાવે કે અપમાન ન કરે ત્યાં સુધી તમે કાંઈ પ્રાપ્ત નથી કરી શકતા. લોકો પૈસા કમાવા, ઈજ્જત કમાવા, નામ કમાવા IAS/IPS થાય છે. વાત ટેલેન્ટની નથી, જોશની છે. જો તમારામાં કામ કરવા જોશ કે ઝનૂન છે તો ટેલેન્ટ આવશે જ. દિલમાં કશુંક કરી બતાવવાની આગ સળગાવી જોઈએ. તે આગમાં તમારી જાતને તપાવો. ચોક્કસ સફળતા મળશે. 


ફેઈલ થાવ તો હિંમત ન હારો. ડિપ્રેસ ન થાઓ. કોઈ ખોટું પગલું પણ ન ભરો. જિંદગી એક જ વાર મળી છે. જ્યાં સુધી તમે ફેઈલ નહિ થાવ ત્યાં સુધી તમને સફળ થવાની પ્રેરણા નહીં મળે. માટે ક્યારેક ફેઈલ કે અસફળ થવું પણ જરૂરી છે. એ અસફળતા જ તમને સફળ બનાવશે. 99℅ મેળવીને પણ તમે કોઈ કંપનીના મેનેજર જ બની શકશો, માલિક નહિ. મલિક બનવા તો દિલમાં આગ લાગવી જોઈએ. મોટા મોટા લોકો પોતાની આત્મકથાઓમાં અસફળતા છુપાવી, સફળતાને જ ઉજાગર કરે છે. હકીકતે અસફળતાને જ ઉજાગર કરવી જોઈએ. તેના થકી જ સફળતા મળે છે." 


મિત્રો, તમે યંગ છો. ચાલતા શીખો, પડવાની બીક ન રાખો, પડીને ફરી પાછા ઊભા થાવ, ફરીથી શીખો, અને દોડતા થાવ. સતત મંડયા રહો. એક દિવસ સફળતા તમારા કદમ ચુમશે. 


આપના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે...


આભાર


-ડૉ. સુનીલ જાદવ

No comments:

Post a Comment