ગુજરાતના સંગ્રહાલયો વિશે જાણવા જેવું - Gujju Gk

18 October 2020

ગુજરાતના સંગ્રહાલયો વિશે જાણવા જેવું

ગુજરાતના ભવ્‍ય સંગ્રહાલયો તેના ગૌરવપૂર્ણ સાંસ્‍કૃતિક વારસા અને ઐતિહાસિક પરંપરાની ભવ્‍યતાને વાચા આપે છે. આ સંગ્રહાલયો ગુજરાતને સમગ્ર ભારતમાં દ્વિતીય ક્રમાંકે લાવે છે. ગુજરાતમાં આવતા પ્રવાસીઓના દિલ જીતી લેતા આ ભવ્‍ય સાંસ્‍કૃતિક વારસાના સંગ્રહમાં ગુજરાતની પરંપરાગત જીવનશૈલી પ્રતિબિંબિત થાય છે.


📮ગાંધી સ્‍મારક સંગ્રહાલય

💥રાષ્‍ટ્રપિતા પૂ. મહાત્‍મા ગાંધીની જન્‍મભૂમિ તેમજ કર્મભૂમિ ગુજરાત પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે. તેમાં અમદાવાદ ખાતે ૧૯૫૧માં સ્‍થપાયેલ ગાંધી સ્‍મારક સંગ્રહાલય મુખ્‍ય છે. જે ૧૯૬૩માં નવા સ્‍વરૂપે નવા અદાયલા સ્‍થળે બનાવવામાં આવ્‍યું. 

💥આ સંગ્રહાલયમાં ગાંધીજીની રોજીંદી ક્રિયાઓમાં વપરાશમાં આવતી ચીજવસ્‍તુઓને પ્રદર્શન માટે મૂકી છે. ઉપરાંત સંગ્રહાલયમાં રજૂ કરાયેલા ચિત્રો આબેહૂબ વાસ્‍તવિક ઘટનાઓની અનુભૂતિ કરાવે છે. અહીં પુસ્‍તકો, ઉપરાંત ગાંધીજીના લખાણોની હસ્‍તપત્રો, ગાંધીજીએ કરેલા પત્રવ્‍યવહારોની નકલો, ફોટોગ્રાફ્સ ઉપરાંત આશ્રમવાસીઓ સાથેના ચિત્રો જેવી ચીજવસ્‍તુઓ ભારતીય સ્વાતંત્ર ઇતિહાસની અનુભૂતિ કરીવે છે. 

💥ખાસ તો ગાંધીજીનો ચરખો અને તેમણે વાપરેલું ટેબલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બની રહ્યું છે


📮કેલિકો ટેક્ષ્‍ટાઇલ સંગ્રહાલય

💥ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ તેની સદીઓ પુરાણી હાથ-શાળ, વણાટ કામ માટે જગમશહૂર છે. કોટન કાપડના ઉત્‍પાદનમાં ભારતનું મોખરાનું સ્‍થાન રહી ચૂકેલ અમદાવાદમાં કેલિકો ટેક્ષ્‍ટાઇલ સંગ્રહાલય આવેલું છે.

💥 જેમાં હાથશાળ, વણાટકામ ઉપરાંત કાપડના કલરકામ સાથે કોટન, રેશમ અને સૂવર્ણ પર થયેલી કળા-કારીગરીનાં ઉત્તમ નમૂનાઓનો સંગ્રહ છે.

💥સત્તરમી સદીનાં હાથશાળની કારીગરીને પ્રતિબિંબિત કરતું લાકડાના નકશીકામની સજાવટવાળું આ સંગ્રહાલય તેની આગવી ગોઠવણી અને નમૂનાની રજૂઆતોમાં વિખ્‍યાત બનેલું છે. 


📮સરદાર વલ્‍લભભાઇ પટેલ રાષ્‍ટ્રીય સ્‍મારક

💥સાબરમતી નદી કિનારે શાહીબાગ ખાતે સરદાર વલ્‍લભભાઇ પટેલ રાષ્‍ટ્રીય સ્‍મારક આવેલું છે.

💥ભારતની આઝાદીના જંગમાં લોહપુરુષ સરદાર વલ્‍લભભાઇ પટેલનો ફાળો અને તેમની નેતાગીરીના સંસ્‍મરણો આ સંગ્રહાલયમાં જળવાયેલા છે. 

💥તેમના જીવન અને કાર્યોની નોંધનો સંપૂર્ણ ઇતિહાસ આ સંગ્રહાલયમાં સાચવવામાં આવેલો છે. અગાઉ રાજભવન તરીકે ઓળખાતી આ ઇમારત તેની ભવ્‍યતા અને સ્‍થાપત્‍ય કળામાં બેનમૂન છે.


📮પતંગ સંગ્રહાલય

💥‘પતંગ ઉત્‍સવ’ ગુજરાતની આગવી ઓળખ છે. વિશ્વ ફલક પર પતંગના શોખને ઉત્‍સવમાં પરિવર્તિત કરી વિશ્વભરમાં ફેલાયેલા પતંગ રસિયાઓ ગુજરાતના મહેમાન બની ચૂક્યા છે.

💥પતંગ સંસ્‍કૃતિને ઉજાગર કરતું ‘પતંગ સંગ્રહાલય’ પતંગનો એક હજાર વર્ષ જૂનો ઇતિહાસ દર્શાવે છે. પતંગના વિવિધ નમૂના અને ઐતિહાસિક દસ્‍તાવેજો સાથે તેની પ્રતિકૃતિઓ જોવા-માણવા માટે વિશ્વના પ્રવાસીઓ માટે ‘પતંગ સંગ્રહાલય’ આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે. 


📮વડોદરા સંગ્રહાલય

💥કળા અને શિલ્‍પ સ્‍થાપત્‍યના બેનમૂન અને આકર્ષક નમૂનાનો સંગ્રહ અહીં જોવા મળે છે.

💥ઇતિહાસ, ભૂસ્‍તરશાસ્‍ત્ર અને જુદી જુદી માનવ સંસ્‍કૃતિના સ્‍વરૂપને આલેખતું આ ભવ્‍ય સંગ્રહાલય ગાયકવાડી, યુરોપીય અને મુઘલ સામ્રાજ્યના અમૂલ્‍ય નમૂનાને રજૂ કરે છે.


📮માનવ સંસ્‍કૃતિનું સંગ્રહાલય

💥‘ભારતીય સંસ્‍કૃતિ દર્શન’ નામે પ્રખ્‍યાત માનવ-સંસ્‍કૃતિના પૂર્ણ દરજ્જાને તાદ્રશ્‍ય કરતું આ સંગ્રહાલય ભૂજ ખાતે આવેલું છે

💥 કચ્‍છની ગ્રામીણ સંસ્‍કૃતના ૪૫૦૦થી વધુ નમૂના દર્શાવતા સંગ્રહાલયમાં સંસ્‍કૃતિ કળાના પુસ્‍તકો, અને અન્‍ય સામગ્રી ઉપલબ્‍ધ છે.

💥 કુલ મુખ્‍ય પાંચ વિભાગોમાં વહેંચાયેલું છે. મધ્‍યખંડમાં સાહિત્‍ય ચિત્ર વિભાગમાં અલભ્‍ય સાહિત્‍યનો ખજાનો છે. ખૂબ જ કલાત્‍મક ચર્મકામ, સંગીતકળાના વાદ્યોના નમૂના ખૂબજ આકર્ષક અને ભવ્‍ય રીતે રજૂ કરાયેલા છે. જે તે સમયની કિંમતી ચીજ વસ્‍તુઓ, ઉપરાંત સોનું - ચલણી નાણું વગેરેને સુરક્ષિત રીતે સંગ્રહવા માટે ‘કોઠાર’ નું નિર્માણ અને તેની બનાવટ આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે. 


📮કચ્‍છ મ્‍યુઝિયમ

💥ગુજરાતનું સૌથી પુરાણું સંગ્રહાલય છે. ઇ.સ. ૧૮૭૭માં નિર્માણ પામેલું આ સંગ્રહાલય ફર્ગ્‍યુસન સંગ્રહાલય નામે પ્રચલિત છે.

💥બ્રિટીશ હકુમત સમયે સર જેમ્‍સ ફર્ગ્‍યુસને આ સંગ્રહાલયની વ્‍યવસ્‍થા કરી હતી.

💥 આ સંગ્રહાલયમાં સોના-ચાંદીના ઘરેણાંના નમૂના તેના ડિઝાઇન, શાળકામ, યુદ્ધ શસ્‍ત્રોના નમૂના, પુરાતત્‍વીય ઇતિહાસના નમૂના, પ્રાણીના અવશેષો અને અન્‍ય સાધનસામગ્રી ઉપરાંત વહાણ-વ્‍યવહાર સાથે જોડાયેલ સંસ્‍કૃતિ અને સભ્‍યતાની રજૂઆત અહીં કરવામાં આવી છે.

No comments:

Post a Comment