બુદ્ધિ અને યાદશક્તિ વધારનાર અનોખી ઔષદ્યિ છે શંખાવળી - Gujju Gk

23 March 2021

બુદ્ધિ અને યાદશક્તિ વધારનાર અનોખી ઔષદ્યિ છે શંખાવળી

 ☘ બુદ્ધિ અને યાદશક્તિ વધારનાર અનોખી ઔષદ્યિ છે શંખાવળી ☘


આયુર્વેદમાં કેટલીક વનસ્પતિઓ- ઔષધિઓને ‘મેધ્ય’ કહેવામાં આવી છે. (મેધ્ય એટલે બુદ્ધિ અને સ્મરણ શક્તિ વધારનાર) આ મેધ્ય ઔષધિઓમાં બ્રાહ્મી, શંખાવળી, શતાવરી, વચા વગેરેનો સમાવેશ થાય છે. અગાઉ આ કોલમમાં આપણે બ્રાહ્મીનાં ગુણકર્મો અને ઉપયોગો વિશે જોઈ ગયા. આ વખતે ‘શંખાવળી’ના ગુણકર્મો અને ઉપયોગો વિશે આયુર્વેદની દ્રષ્ટિએ થોડું જાણીએ.


☘ ગુણકર્મો ☘


શંખાવળીને આયુર્વેદમાં શંખપુષ્પી કહે છે અને હવે તો આ નામ જ વધારે પ્રચલિત છે. ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશની પથરાળ જમીનમાં શંખપુષ્પીનાં આશરે દોઢથી બે ફૂટ ઊંચા છોડ જોવામાં મળે છે. તેનાં ફૂલોનાં રંગ પરથી તેનાં ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે. (૧) સફેદ (૨) લીલો અને (૩) ભૂરો.


આયુર્વેદ પ્રમાણે જોઈએ તો શંખપુષ્પી સ્વાદમાં કડવી, તૂરી તથા તીખી, શીતળ, આહાર પચાવનાર, મળને સરકાવનાર, રસાયન, કામશક્તિવર્ધક, પિત્તશામક, મંગળકારી, બુદ્ધિ અને સ્મૃતિવર્ધક (મેધ્ય), બળ અને આયુષ્ય આપનાર તથા કાંતિ અને સ્વરને સુધારનાર છે. તે અપસ્માર-વાઈ, ગાંડપણ, અનિદ્રા, ભ્રમ, કૃમિ વગેરેનો નાશ કરનાર છે.


રાસાયણિક વિશ્લેષણ કરવાથી શંખપુષ્પીમાંથી બે પ્રકારનાં સ્ફટિકીય દ્રવ્યો મળી આવે છે. આ ઉપરાંત તેમાં શંખુપુષ્પીન નામનું ક્ષારાભ પણ રહેલું હોય છે.


☘ ઉપયોગ ☘


મર્હિષ ચરકે શંખપુષ્પી વિશે લખ્યું છે કે, બુદ્ધિ અને યાદશક્તિને વધારનાર ઔષધોમાં શંખપુષ્પી પ્રધાન ઔષધ છે. જેમને યાદશક્તિની નબળાઈ જણાતી અથવા નાના બાળકોની સ્મરણશક્તિ કે અભ્યાસમાં એકાગ્રતા ઘટી ગઈ હોય તો તેમને શંખપુષ્પીનું અડધી ચમચી જેટલું ચૂર્ણ બદામ, ચારોળી મેળવેલા દૂધ સાથે રોજ રાત્રે આપવું. આ પ્રમાણે ઉપચાર કરવાથી થોડા દિવસમાં જ આ ફરિયાદોમાં ફાયદો જણાશે. શંખપુષ્પી વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી ઔષધ છે. તેનાં સેવનથી મસ્તિષ્કનો થાક અને આળસ દૂર થાય છે. વધારે વાંચનથી જેમની આંખોમાં પાણી આવવા લાગતું હોય અથવા માથામાં દુઃખાવો થતો હોય તેમને પણ શંખપુષ્પીનું સેવન કરવાથી લાભ થાય છે.


શંખપુષ્પી અનિદ્રાને પણ મટાડનાર છે. શંખપુષ્પી, બ્રાહ્મી, ગંઠોડા અને જટામાંસી આ ચારે ઔષધો સરખા વજને લાવી, ખૂબ ખાંડીને, તેમનું બારીક ચૂર્ણ બનાવી લેવું. રોજ રાત્રે એક ચમચી જેટલું આ ચૂર્ણ દૂધમાં મેળવી, દૂધને ઉકાળી, ઠંડું પડે એટલે પી જવું. થોડા દિવસ આ ઉપચાર કરવાથી અનિદ્રાની તકલીફ દૂર થાય છે.


શંખપુષ્પી મસ્તિષ્ક અને જ્ઞાાનતંતુઓને બળ આપનાર છે. અપસ્માર-વાઈ, ગાંડપણ, ડિપ્રેશન વગેરે માનસિક રોગોમાં તે ઉત્તમ પરિણામ આપે છે. આ વિકૃતિઓમાં શંખપુષ્પીનાં અડધા કપ જેટલા રસમાં અડધી ચમચી કઠ-ઉપલેટનું ચૂર્ણ અને થોડું મધ મેળવીને આપવાથી ખૂબ જ લાભ થાય છે.


શંખપુષ્પી વારંવાર થતી ઊલટીને મટાડનાર છે. વાયુનાં કારણે થતી આવી ઊલટીઓમાં અડધા કપ જેટલો શંખપુષ્પીનો રસ સહેજ મધ અને થોડું મરીનું ચૂર્ણ નાંખીને આપવો. થોડા સમયમાં જ રાહત જણાશે.


શય્યામૂત્રએ નાના બાળકોની એક મોટામાં મોટી વિકૃતિ છે. શય્યામૂત્ર એટલે રાત્રે-ઊંઘમાં મૂત્રત્યાગની ક્રિયા. જે બાળકો આ રીતે રાત્રે પથારીમાં મૂત્રત્યાગ કરતા હોય તેમના માટે શંખપુષ્પી ઉત્તમ ઔષધ છે. આ બાળકોને રોજ રાત્રે જમ્યાં પછી પ્રવાહી પદાર્થો અધિક માત્રામાં ન આપવા. તેમજ અડધી ચમચી શંખપુષ્પીનું ચૂર્ણ એક કપ દૂધમાં મેળવીને રોજ રાત્રે આપવું.


☘ શંખાવલી ☘


શંખાવલી સંસ્કૃતમાં એને શંખપુષ્પી કહે છે. શંખાવલી ગુજરાતમાં બધે થાય છે. સમુદ્ર કીનારાની જમીન તેને વધુ અનુકુળ આવે છે. તેનાં પાંદડાં સોનામુખી જેવાં અને ફુલો શ્વેત ગુલાબી અને શંખના આકારનાં હોવાથી એને શંખાવલી કહે છે. શંખાવલી બારે માસ લીલી મળી રહે છે. એનાં પાન મસળવાથી માખણ જેવાં મુલાયમ થાય છે, આથી તેને માખણી પણ કહે છે. ઔષધમાં શંખાવલીનાં બધાં અંગોનો ઉપયોગ થાય છે. તેના સ્વરસની માત્રા ત્રણથી ચાર ચમચી, ઉકાળો એક કપ અને પંચાંગનું ચુર્ણ એક ચમચી સવાર-સાંજ લઈ શકાય.


મગજની પુષ્ટી માટે શંખાવલીના પંચાંગનું ચાટણ દુધ સાથે આપવું. તેના સેવનથી ખાલી પડેલું મગજ ભરાય છે.


શંખાવલીમાં સારક ગુણ વધારાનો છે, એ સીવાય બીજા ગુણો બ્રાહ્મીને મળતા છે. એની ભાજી બનાવીને પણ ખાઈ શકાય. ફુલ સહીત એના પાનનું તલના તેલમાં વઘારેલું શાક ખુબ સ્વાદીષ્ટ લાગે છે. એનું શાક વાતહર, પાચક, મળને સરકાવનાર, શક્તી અને બુદ્ધીવર્ધક તથા પીત્તહર છે.


શંખાવળીની શાખાઓ વીસ ઈંચ જેટલી સુતળી જેવી બારીક રુંવાટીવાળી હોય છે. તેનાં પાન જરા લાંબાં, બુઠ્ઠાં ટેરવાંવાળાં, બારીક અને આંતરે આવેલાં હોય છે. તેની શાખા ઉપર શંખ જેવા જ આકારનાં ફુલોની હાર જોવા મળે છે. તેનાં ફળ ગોળાઈ લેતાં સુક્ષ્મ અણીવાળાં હોય છે. ઔષધમાં સફેદ ફુલોવાળી શંખાવલી વાપરવી. એ ઉત્તમ બુદ્ધી વધારનાર હોઈ માનસીક રોગો, ગાંડપણ, હતાશા-ડીપ્રેશન, એપીલેપ્સી, વાઈ, ઉન્માદ વગેરેમાં હીતાવહ છે.


➡️ બેથી ત્રણ ચમચી શંખાવલીનો તાજો રસ સવાર-સાંજ પીવાથી ગાંડપણ મટે છે. 


➡️ શંખાવલીના આખા છોડને મુળ સહીત ઉખેડી સારી રીતે ધોઈ પથ્થર પર લસોટી રસ કાઢવો.


➡️ શંખાવલીનું ચુર્ણ અડધી ચમચી, પાંચ નંગ બદામ, બ્રાહ્મી ચુર્ણ પા(૧/૪) ચમચી, ગુલાબના ફુલની પાંખડી નંગ ૧૦, ખસખસ પા(૧/૪) ચમચી, વરીયાળી અડધી ચમચી, મરી નંગ ૧૦ અને એલચી નંગ ૧૦ને દુધમાં લસોટી ચાટણ જેવું બનાવી એક ગ્લાસ દુધમાં સાકર મેળવી શરબત બનાવી રોજ રાત્રે પીવાથી થોડા દીવસોમાં યાદશક્તી વધે છે, ઉંઘ સારી આવે છે, એપીલેપ્સી, ઉન્માદ અને ગાંડપણમાં ફાયદો થાય છે.


➡️ શંખાવલીનું મુળ સાથે શરબત બનાવ્યું હોય તો દસ્ત સાફ ઉતરે છે. રોજ શરબત ન બનાવવું હોય તો શંખાવલી ઘૃત એક ચમચી રોજ રાત્રે ચાટી જવું.


➡️ શંખાવલીના ચાર ચમચી રસમાં ૦.૭૫થી ૧ ગ્રામ (ચારથી પાંચ ચોખાભાર) મીઠી કઠનું ચુર્ણ અને બે ચમચી મધ મેળવી રોજ સવાર-સાંજ પીવાથી ઉન્માદ અને વાઈ મટે છે. તમામ પ્રકારની ઘેલછા અને ગાંડપણમાં ખુબ હીતાવહ છે.


➡️ શંખાવલીના પાનનો ચાર ચમચી રસ સાકર નાખી પીવાથી પ્રમેહ અને સંગ્રહણીમાં અસરકારક ફાયદો થાય છે.


➡️ શંખાવલીના પંચાંગના રસથી સીદ્ધ કરેલું ઘી રેચક હોય છે. આ ઘી એક ચમચી સવાર-સાંજ લેવાથી પેટનો જુનો રોગ સન્નીપાતોદર મટે છે.


➡️ શંખાવલીનાં મુળ અને પાનનો ઉકાળો સંધીવા, વીસ્ફોટક અને શરીરની નબળાઈ પર લાભ કરે છે.


➡️ શંખાવલીનાં સુકાં પાન ચલમમાં નાખી ધુમ્રપાન કરવાથી દમમાં ફાયદો થાય છે.


➡️ શંખાવલીના ચાર ચમચી રસમાં બે ચમચી મધ અને પાંચ કાળાં મરીનું ચુર્ણ નાખી પીવાથી ઉબકા, ઉલટી, હેડકી અને ઓડકાર મટે છે.


🔺 શંખપુષ્પી ચુર્ણ : શંખાવળીના આખા છોડને તેના મુળ સાથે લાવી છાંયડે સુકવી ટુકડા કરીને ખુબ ખાંડી બનાવેલા બારીક ચુર્ણને શંખપુષ્પી ચુર્ણ કહે છે. જે બે મહીના સુધી વાપરી શકાય. બે માસ પછી તેના ગુણ ઓછા થવા લાગે છે. એક ગ્લાસ દુધમાં અડધી ચમચી આ ચુર્ણ, એક ચમચી ગાયનું ઘી અને બે ચમચી ખડી સાકરનો પાઉડર નાખી ઉકાળવું. પછી ઠંડું પડે ત્યારે રોજ રાત્રે પીવાથી મગજની યાદશક્તી વધે છે. નબળાઈ દુર થાય છે. વીદ્યાર્થીઓ અને બુદ્ધીજીવીઓ માટે તે ખુબ સારું છે. માનસીક રોગોનું તે ઉત્તમ ઔષધ છે.

No comments:

Post a Comment